હાર્દિક પટેલ ખરેખર કોંગ્રેસ છોડીને AAPમાં જોડાઇ જશે? શું?

HARDIK PATEL તથા તેના બીજા અનેક સાથીઓ સામે ભાજપની સરકારે રાજદ્રોહના કેસો કરેલા છે. ભાજપ સાથેના સંઘર્ષની હવે ફરી શરૂઆત થઇ રહી છે. રાજદ્રોહના કેસો પાછા ખેંચી લેવાની માંગ સાથે મામલતદાર અને કલેક્ટરોને આવેદનપત્ર આપવાના કાર્યક્રમ પૂરો થવા સાથે હાર્દિક પટેલે ફરી રણશિંગું ફૂંકી દીધું છે. હવે આંતરિક હલચલ એવા સંકેત આપી રહી છે કે હાર્દિક પટેલ આપ સાથે જોડાઇ શકે છે.

Hardik Patel

દિલ્હીમાં સફળતા મળ્યા બાદ હવે ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાં અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી પોતાના મૂળિયા મજબુત કરવાના પ્રયાસ કરી રહી છે. એમ તો ગઇ વિધાનસભાની ચૂંટણી વખતે આપે હાજરી નોંધાવી હતી, પરંતુ તેને સફળતા મળી ન હતી. જો કે એ વખતે પણ આપનો પ્રયાસ અધકચરો હતો. પરંતુ હવે જ્યારે આ વર્ષના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આમ આદમી પાર્ટી નીચલા સ્તરેથી રાજકિય મૂળિયા મજબુત કરવાનો પ્રયાસ કરવાનો વ્યુહ ઘડી રહી છે. એ સંજોગોમાં પાસના નેતાઓને સાથે રાખીને આપ પાર્ટી તખ્તો ગોઠવી રહી છે.

ભાજપ સરકારની નીતિ અને રીતિથી નારાજ એવા પાસના નેતાઓને પોતાની પડખે રાખવા માટે આપના નેતાઓ સંપર્ક કરી રહ્યા છે. આપને ગુજરાતમાં મજબુત બનાવવા માટે આ અઠવાડિયે આપના પ્રભારી ગોપાલ રાય ગુજરાતમાં દસેક દિવસ ધામા નાંખી રહ્યા છે. તેમની નજરમાં પાટીદાર આંદોલન વખતે સક્રિય રહેલા નેતાઓને સાથે રાખવાનો વ્યુહ ઘડાઇ રહ્યો છે.


એ આંદોલનના સમયથી અરવિંદ કેજરીવાલના વિચારો અને કામગીરીથી પ્રભાવિત હાર્દિક પટેલ સાથે પણ બેઠક યોજાઇ એવા સંકેત મળી રહ્યા છે. આપ હાર્દિક પટેલ અને તેના જેવા બીજા નેતાઓને આપમાં જોડીને એક યુવા સંગઠન બનાવવાની વેતરણમાં છે. યાદ રહે કે આ વર્ષના અંતમાં પાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવાની છે, તે પહેલાં આપ બે મહિનામાં ગુજરાત આપનું માળખું ઘડીને તેને ચેતનવંતુ કરી દેશે. ચૂંટણીઓ યોજાય એ પહેલાં આપના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ સોમનાથના દર્શન કરીને આમ આદમી પાર્ટીનું રણશિંગું ફૂંકશે. અગાઉના નિષ્ફળ પ્રયાસ જેવો આ પ્રયાસ નહીં હોય એ માટે જુનું સંગઠન સાવ વિખેરી નાંખીને નવા યુવા અને આક્રમક શૈલીવાળા નેતાઓને સમાવી લેવાનો પ્રયાસ થઇ રહ્યો છે. આ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસમાં કોરાણે મૂકાયેલા સક્ષમ નેતાઓને પણ આપમાં જોડવા માટે પ્રયાસ થશે. જો હાર્દિક પટેલ આપમાં જોડાય તો તેને માટે આ નવો રાજકિય માર્ગ હશે અને કોંગ્રેસ સાથે જોડાવા કરતાં આપ સાથે જોડાવું તેને માટે રાજકિય રીતે પણ લાભકારી બની શકે એમ છે. હવે જુઓ ગોપાલ રાવ કેવી ચોપાસ માંડી જાય છે ?