અખરોટનું સેવન કરવાથી હૃદય રોગનું જોખમ ઘટે છે, દિવસ દરમિયાન 56 ગ્રામ

અખરોટ ખાવાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારે ફાયદા થાય છે. તેનું સેવન કરવાથી આંતરડાંમાં સારા બેક્ટેરિયાની સંખ્યા વધે છે. આ બેક્ટેરિયા હૃદયનાં સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. ‘ન્યૂટ્રિશન’ નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચમાં આ વાત સામે આવી છે.

રિસર્ચમાં સામેલ રિસર્ચર ક્રિસ્ટિના અનુસાર ડાયટમાં ફેરફાર લાવવાથી સ્વાસ્થ્યને ફાયદા થાય છે. દિવસ દરમિયાન 56થી 85 ગ્રામ અખરોટનું સેવન કરવાથી હૃદય રોગનું જોખમ ઘટે છે.
અમેરિકાની પેન યુનિવસિર્ટી દ્વારા કરવામાં આવેલાં રિસર્ચમાં અખરોટનું સેવન કરવાથી આંતરડાંના બેકટેરિયાની સંખ્યા અને તેની ગુણવત્તામાં આવતા ફેરફારોનું અવલોકન કરવામાં આવ્યું હતું. તેના માટે 42 વોલન્ટિયર્સને સામેલ કરવામાં આવ્યા હતા. આ તમામ લોકોને અખરોટ સહિત વિવિધ 3 પ્રકારના ડાયટનું સેવન કરવા માટે કહેવામાં આવ્યું હતું.

આ તમામ લોકોના આંતરડાંના બેક્ટેરિયાના સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા. તેમાં જોવા મળ્યું કે અખરોટનું સેવન કરવાથી રોસેબુરિયા નામના બેકટેરિયાનો ઝડપી વિકાસ થાય છે. આ બેક્ટેરિયા હૃદયને તંદુરસ્ત રાખવામાં મદદગાર હોય છે.