નુકસાન / સવારે ખાલી પેટ ક્યારેય ઠંડાં પીણાં અને મસાલેદાર ખોરાક ન ખાવો, પાચનતંત્ર નબળું પડી શકે છે.

સવારે ઊઠ્યાં બાદ હેવી બ્રેકફાસ્ટ કરવાની સલાહ આપવામાં આવે છે. આ સાથે હેલ્ધી અને ફિટ રહેવાય એવા પીણાં પણ પીવામાં આવે છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે સવારે આપણે જે ખાઇએ તે આપણે દિવસભર હેલ્ધી અને એનર્જેટિક રાખે છે. પરંતુ સવારે ખાલી પેટે ખાવામાં આવતી કેટલીક એવી વસ્તુઓ પણ છે જે ભલે સ્વાસ્થ્ય માટે તંદુરસ્ત હોય પણ આંતરડાને ખરાબ અસર કરે છે. ઘણા લોકો ઊઠીને તરત જ હેવી બ્રેકફાસ્ટ કરતા હોય છે, જ્યારે ઊઠ્યાં બાદ 2 કલાક પછી જ નાસ્તો કરવાનો સમય યોગ્ય છે. તો ચાલો જાણીએ સવારે ખાલી પેટે શું ખાવું જોઇએ અને શું ન ખાવું જોઇએ.

મસાલેદાર ખોરાક
ખાલી પેટે મસાલાવાળો ખોરાક ખાવાથી પેટમાં બળતરા થવા લાગે છે, જેના કારણે એસિડિક રિએક્શન થવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત, આ પાચન પ્રક્રિયાને પણ અસર કરે છે, જેના કારણે એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

શુગરી ડ્રિંક્સ અને ફૂડ્સ
શુગરી ડ્રિંક્સ અને ફૂડ્સમાં ફ્રુક્ટોઝ વધુ માત્રામાં હોય છે, જેના કારણે લિવર પર અસર થાય છે. આ સિવાય, આ પેનક્રિયાઝને પણ અસર કરે છે. પ્રોસેસ્ડ શુગરવાળી કોઇપણ વસ્તુ ખાલી પેટે ન ખાવી જોઇએ.

કોલ્ડ ડ્રિંક્સ
દિવસની શરૂઆત હંમેશાં ગરમ પાણી અથવા લીંબુથી કરવી જોઇએ. પરંતુ ઘણા લોકો આઇસ ટી અથવા કોલ્ડ કોફી પીને દિવસની શરૂઆત કરે છે. આવું કરવાથી પેટના મ્યૂકસ મેમ્બ્રેનને અસર થાય છે અને તે પાચન પ્રક્રિયા નબળી પાડી દે છે. તેથી, ખાલી પેટે કોલ્ડ ડ્રિંક્સ પીવાનું ટાળવું.

સિટ્રસ ફ્રૂટ્સ
સવારે ખાલી પેટે સિટ્રસ ફ્રૂટ્સ એટલે કે ખાટાં ફળો ખાવાથી એસિડનું ઉત્પાદન વધી શકે છે. આ સિવાય, આ પ્રકારના પળોમાં વિશાળ પ્રમાણમાં ફાઇબર અને ફ્રુક્ટોઝ પણ હોય છે, જે તમારા પાચનતંત્રની પ્રક્રિયા ધીમી પાડી શકે છે. તેથી, સવારના સમયમાં નારંગી, મોસંબી અને દ્રાક્ષ જેવા ખાટાં ફળો ખાવાનું ટાળવું જોઇએ.

કાચાં શાકભાજી
કાચાં શાકભાજી અથવા સલાડ ખાલી પેટે ખાવાં હિતાવહ નથી. તેઓ ફાઇબરથી ભરપૂર હોય છે, જે ખાલી પેટ પર વિપરિત અસર કરે છે. ખાલી પેટે કાંચાં શાકભાજી ખાવાથી પેટ ફુલવાની અથવા પેટમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે.

કોફી
એક કપ કોફી પીને દિવસની શરૂઆત કરવી એ આજના યંગસ્ટર્સ માટે સામાન્ય બની ગયું છે. આ ઊંઘ ઉડાડવાની સરળ રીત છે. પરંતુ ખાલી પેટે કોફી પીવાથી એસિડિટી થઈ શકે છે આ પાચનતંત્રમાં હાઇડ્રોક્લોરિક એસિડનો સ્ત્રાવ રિલીઝ કરે છે, જે કેટલાક લોકોમાં જઠરના સોજાનું કારણ બને છે.